Main Menu

ભચાઉમાં ઓવરલોડ ટ્રકે સર્જ્યો ત્રિપલ અકસ્માત, એકનું મોત

ભચાઉ:ભચાઉ નજીક સોમવારે રાત્રે ત્રણ ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો, જેમાં એક ટ્રકચાલકનું સારવાર દરમિયાન મોત થયું હતું, તો એક ઓવરલોડ ટ્રકનો ચાલક ઘટનાસ્થળથી ભાગી છૂટ્યો હતો.ભચાઉના નવા બસ સ્ટેશન પાસે, ઓવરબ્રીજ ઉતરતાં કોર્ટ તરફ જતા રોડ પર સોમવારે રાત્રે ત્રણ ટ્રકો વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર જીજે-12-એજે-7464ના ચાલકે બેદરકારીપૂર્વક ટ્રક ચલાવી અકસ્માત સર્જ્યો હતો, જેમાં એક ટ્રકના ચાલક ગોવિંદભાઈ પુજાભાઈ જોગી ગંભીર રીતે ઘાયલ થતા તેમને 108 મારફત ભુજ લઈ જવાઈ રહ્યા હતા, ત્યારે મોત નીપજ્યું હતું.
આધારભૂત સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર ગાંધીધામ તરફથી ઓવરલોડ કોક ભરેલી ટ્રક જીજે-12-એઝેડ-2116 આવી રહી હતી, જેણે માંડવીથી રાજકોટ તરફ તલ ભરીને જઈ રહેલી જીજે-12-વાય-6695 ટ્રકને અડફેટે લીધી હતી, જેમાં અન્ય એક ટેન્કર જીજે-એઝેડ-7464 કે જે વનસ્પતિ ઘી ભરી જઈ રહી હતી, તે પણ આવી જતાં તેને જોરદાર ટક્કર લાગી હતી, તેમાં માંડવીથી તલ ભરી નીકળેલી ટ્રકના ચાલકનું મોત થયું હતું. અકસ્માતના પગલે ઓવરલોડ ટ્રકનો ચાલક ભાગી છૂટ્યો હતો.
ઘી- તલ રોડ પર ફેલાતાં વાહનો સ્લીપ થયાં
એક ટ્રક માંડવીથી રાજકોટ તલનો જથ્થો લઈને જઈ રહ્યું હતું, તો બીજી ટ્રકમાં વનસ્પતિ ઘી ભરેલું હતું. અકસ્માતના પગલે બન્ને ટ્રકોમાંથી તલ અને ઘીનો જથ્થો રોડ પર ફેલાઈ ગયો હતો. જેના કારણે સતત વ્યસ્ત રહેતા આ માર્ગ પર વાહનો સ્લીપ થવા લાગ્યા હતા. પોલીસ સતર્કતા દાખવી ઘી અને તલને માર્ગ પરથી સાફ કરાવ્યા હતા.
ઓવરલોડ પાછળ રાજકીય પીઠબળ જવાબદાર
ઓવરલોડ થયેલી ટ્રકો દ્વારા બેલેન્સ ન જાળવી શકાતા અકસ્માતો નોતરવાની આવી ઘટના કચ્છ માટે નવી નથી ત્યારે આ અક્સ્માતના પગલે જવાબદાર ઓવરલોડેડ ટ્રક પાછળ રાજકીય પીઠબળ હોવાનો ગણગણાટ જોવા મળ્યો હતો. તાજેતરમાં જ આરટીઓએ ડિટેઈન કરેલી 12 ઓવરલોડેડ ટ્રકોને હંકારી જવાઈ હતી, ત્યારે આવા અકસ્માતોના પગલે લેવાતો ભોગ માટે કોણ જવાબદાર છે તે પ્રશ્ન ઉભો થાય છે.


« (Previous News)