Main Menu

માંડવીના આશર સમુદ્ર કિનારે રવિવારે રાત્રે થુરિયા ફોનનો ઉપયોગ થયો

માંડવી:માંડવી તાલુકાના લાયજાના સમુદ્ર કિનારે લેન્ડિંગ પોઇન્ટ તરીકે પ્રખ્યાત વિસ્તારમાંથી પ્રતિબંધિત સેટેલાઇટ થુરિયા ફોનનો ઉપયોગ થયાનું લોકેશન બહાર આવતાં 26મી જાન્યુઆરી-રાષ્ટ્રીય તહેવાર નજીક હોવાથી ગંભીર ઘટનાને પગલે એજન્સીઓ ચોંકી ઉઠી હતી.
26મી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનને માત્ર ત્રણ દિવસ બાકી હોવાથી તમામ સરહદો પર ચોકી-પહેરો વધારી દેવામાં આવ્યો છે, જેથી મેલીમૂરાદ ધરાવતા નાપાક તત્ત્વો પોતાનો ઇરાદો પાર પાડી શકે નહીં તે વચ્ચે માંડવી તાલુકાના લાયજાના સમુદ્ર કિનારે આવેલા આશર માતાના મંદિર આસપાસ પ્રતિબંધિત સેટેલાઇટ ફોન થુરિયાનું લોકેશન પકાડાતાં કોસ્ટગાર્ડ હરકતમાં આવી જતાં મુન્દ્રાથી જખૌ સુધીના સમુદ્રી માર્ગે સુરક્ષા વધારી દેવામાં આવી હોવાનું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
આશર માતાના મંદિર નજીકના સમુદ્ર કિનારો તથા કિનારા નજીક ફોરેસ્ટની રખાલમાં સોમવારે માંડવી મરીન પોલીસનો સ્ટાફ સાથેનો કાફલો ખાનગી રીતે થુરિયા પ્રતિબંધિત સેટેલાઇટ ફોન બાબતે ચોક્કસ વિસ્તારમાં તપાસમાં જોડાયા હોવાનું મરીન પોલીસમાં પીઆઇ એ.જી. પટેલ આ બાબતે પુષ્ટિ આપી હતી, તે સિવાય તમામ એજન્સીઓ પોતાની રીતે તકેદારીમાં જોડાઇ છે.