Main Menu

કર્મચારીઓને ચાંદીના સિક્કા નહીં મળે?

ગાંધીધામ:કંડલા પોર્ટ ટ્રસ્ટ દ્વારા ગત વર્ષે 100 એમએમટી કાર્ગો હેન્ડલ કરીને સરકારી મેજર પોર્ટમાં મોખરાનું સ્થાન મેળવી નવો કીર્તિમાન સ્થાપીત કર્યો હતો. આ સિદ્ધી બદલ ઓળઘોળ બનેલા તંત્ર દ્વારા કર્મચારીઓને 100 ગ્રામ ચાંદીના સિક્કા આપવાની જાહેરાત કરવામાં આવી હતી. આ જાહેરાત બાદ ઓર્ડર પણ આપી દેવામાં આવ્યા છે. દરમિયાન શિપિંગ મંત્રાલયમાંથી પૂછાણ આવતા હાલ આ મુદ્દે અંતરાય આવે તેવી શક્યતા ઉભી થઇ છે.
સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ કંડલા પોર્ટ દ્વારા નમૂનેદાર કામગીરી કરીને 100 એમએમટી કાર્ગો હેન્ડલ કરવામાં આવ્યો હતો. આ લક્ષ્યાંક પાર પાડવામાં આવ્યા પછી તેની પાછળ જેની વધુ મહેનત છે તેવા કર્મચારીઓને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે યુનિયન દ્વારા ચાંદીના સિક્કા આપવા માટે માંગણી કરવામાં આવી હતી. લાંબા સમયની આ માંગણી પછી કંડલા પોર્ટ ટ્રસ્ટની બોર્ડ મીટીંગમાં ચર્ચા- વિચારણા કરીને અંદાજે 3600 જેટલા કામદારોને 100 ગ્રામ ચાંદીના સિક્કા આપવાની જાહેરાત કરવામાં આવી હતી.
દરમિયાન તાજેતરમાં કેન્દ્રના શિપિંગ મંત્રાલયમાંથી આવેલા પત્રમાં વિવિધ નોમ્સ 2016ના જણાવવામાં આવ્યા છે, જેમાં સંસ્થા દ્વારા ગોલ્ડન જ્યુબીલી, સિલ્વર જ્યુબીલી સહિતના વર્ષની ઉજવણી હોય તો કર્મચારીને પ્રોત્સાહન આપી શકાય તેવી નીતિ છે. તેમાં પણ ત્રણ હજારથી વધુ રકમ વાપરવી ન જોઇએ તેવી જોગવાઇ છે, જ્યારે અહીં તો કેપીટીએ અંદાજે 100 ગ્રામ ચાંદીના સિક્કા પાછળ 5 હજારની રકમ નક્કી કરી છે.
આ પત્ર આવ્યાની જાણ થતાં જ કર્મચારી વર્તુળોમાં વિવિધ અટકળો શરૂ થઇ ગઇ છે. કેટલાક કર્મચારીઓનું માનવું એવું છે કે, આ ચાંદીના સિક્કા હવે મળી શકે નહીં, અથવા તો તેનું વજન ઓછું આવશે. મોઢા એટલી વાતો હાલ તો કર્મચારી વર્તુળોમાં શરૂ થઇ ગઇ છે.  કેપીટી પ્રશાસન કેવો રસ્તો કાઢે છે તેની ઉપર કર્મીઓની મીટ મંડાણી છે.
શિપિંગ મંત્રીએ જાહેરાત કરી હતી
કર્મચારી વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ ગત વર્ષે જ્યારે કેન્દ્રના શિપિંગ મંત્રી નીતિન ગડકરી ટુંકી મુલાકાતે કંડલા પોર્ટમાં આવ્યા હતા ત્યારે વિવિધ બાબતોની ચકાસણીની સાથે સાથે પોર્ટે મેળવેલી સિદ્ધી સંદર્ભે થયેલી રજૂઆત પછી ચાંદીના સિક્કા કર્મચારીને આપવા માટે તેઓએ પણ જાહેરાત કરી હતી. હવે તેનો જ વિભાગ આ નવો ફતવો બહાર પાડતાં કર્મચારીઓમાં અવઢવભરી સ્થિતિ ઉભી થઇ છે.
કંડલા પોર્ટ પાસે તોતીંગ રકમનું  ફંડ પણ છે
જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ કંડલા પોર્ટ પાસે મોટી રકમનું ફંડ પણ છે, અને નફો પણ દર વર્ષે સારો કરે છે. આવા સંજોગોમાં કર્મચારીઓને બિરદાવવામાં આવે તે જરૂરી છે. લાખો રૂપિયાના ખર્ચે અન્ય કામો પણ આડેધડ કરવામાં આવે છે ત્યારે કર્મચારીના હીતવાળા મુદ્દાઓમાં કેમ મીનમેક કાઢવામાં આવે છે તે કેટલાક કર્મચારી વર્તુળોને સમજાતું નથી. ઉલ્લેખનીય છે કે, શિપિંગ મંત્રીની મુલાકાત સમયે તેઓએ પણ કંડલા પોર્ટ ટ્રસ્ટને કેટલીક ટકોર કરી હતી, તેમાં લોકહીતના કામોમાં રકમ વાપરવા સહિતનો સમાવેશ થાય છે.