નવી દિલ્હીઃ છેલ્લા સાત દિવસથી ઈન્ડિગો એરલાઈન્સની ઘણી ફ્લાઈટો રદ થવાના કારણે હજારો મુસાફરો પરેશાન થયા છે. નવા નિયમોનો યોગ્ય અમલ ન થવાને કારણે, નાગરિક ઉડ્ડયન મંત્રી રામ મોહન નાયડુએ દેશની તમામ એરલાઈન્સને કડક ચેતવણી આપી છે.
મંત્રીએ સંસદમાં જણાવ્યું કે, ઈન્ડિગો ક્રૂ અને રોસ્ટરનું યોગ્ય સંચાલન ન કરવા પર સેંકડો ફ્લાઈટો રદ થઈ, જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. જો કોઈ એરલાઈન નિયમોનું પાલન ન કરશે, તો સરકાર કડક કાર્યવાહી કરશે.
ઈન્ડિગોની હાલત: છેલ્લા એક અઠવાડિયે 2000થી વધુ ફ્લાઈટો રદ થઈ ગઈ, જ્યારે આજે વધુ 500 ફ્લાઈટો રદ થઈ છે. કંપનીએ 610 કરોડ રૂપિયાનું રિફંડ ચુકવ્યું અને 3000 બેગ પ્રવાસીઓને પહોંચાડી. નવા ફ્લાઈટ ડ્યૂટી ટાઈમ લિમિટેશન (FDTL) નિયમો મુજબ પાયલોટ અને ક્રૂની ડ્યૂટી અનિયમિત હોવાથી સંકટ ઉભું થયું છે.
હવે ઈન્ડિગોએ ક્રાઈસીસ મેનેજમેન્ટ ગ્રૂપ બનાવી, અને તમામ ફ્લાઈટોનું યોગ્ય સંચાલન શરૂ કર્યું છે, પરંતુ મંત્રીએ અન્ય એરલાઈન્સ માટે પણ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે નિયમોનું ઉલ્લંઘન સહન નહીં થાય.
