વડોદરામાં બેન્ક ઓફ મહારાષ્ટ્રના એક ખાતામાંથી રૂ. 2.30 કરોડના અનઑથોરાઈઝ્ડ ટ્રાન્જેક્શન બહાર આવતા સાયબર ક્રાઈમ વિભાગ હરકતમાં આવી ગયો છે. NCCRP પોર્ટલ પર આ ખાતા સામે 23 જેટલી ફરિયાદો નોંધાયેલી હોવાનું પણ સામે આવ્યું છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે ખાતાધારકે કમિશન માટે પોતાનું બેંક ખાતું અન્ય વ્યક્તિને વાપરવા માટે આપ્યું હતું, જેમાં સાયબર ઠગો ઓનલાઈન ફ્રોડ કરીને નાણા જમા કરતા હતા.
સાયબર ક્રાઈમ પોલીસને સૂચના મળ્યા બાદ બેંક એકાઉન્ટના KYC અને સ્ટેટમેન્ટની તપાસ કરતા 23 ડિસેમ્બર 2024થી 16 જાન્યુઆરી 2025 વચ્ચે કરોડો રૂપિયાના ગેરકાયદે ટ્રાન્જેક્શન થઈ ગયાની પુષ્ટિ થઇ. આ એકાઉન્ટ સાયબર ગેંગ દ્વારા “મ્યુલ એકાઉન્ટ” તરીકે ઉપયોગમાં લેવાતું હતું, જે મારફતે ઠગાયેલા નાણાં ટ્રાન્સફર કરી કમિશન મેળવી ફ્રોડ કરવામાં આવતો હતો.
બેંક તરફથી થઇ પ્રાથમિક પૂછપરછમાં ખાતાધારકે સ્વીકાર્યું કે તેણે કમિશન માટે પોતાનું ખાતું સાગર શાહ નામના શખ્સને આપ્યું હતું. મળેલી વિગતોના આધારે સાયબર ક્રાઈમ પોલીસે ખાતાધારક હેમંત જાદવ, સાગર શાહ સહિત કુલ ચાર લોકો বিরুদ্ধে ગુનો નોધી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
