અમદાવાદમાં NSUI દ્વારા “Say No To Drugs” અભિયાન હેઠળ યોજાયેલી બાઈક રેલી દરમિયાન જ નિયમોના જંગી ભંગ થયા. યુવાઓને નશાથી દૂર રહેવાનો સંદેશ આપતી આ રેલીમાં કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલ, અમિત ચાવડા, જીગ્નેશ મેવાણી સહિતના નેતાઓ જ હેલ્મેટ વિના બાઈક પર સવાર દેખાતા વિવાદ ઊભો થયો. લગભગ 8 કિમી ચાલી રેલી શહેરની અનેક કોલેજો પાસેથી પસાર થઈ હતી, પરંતુ ટ્રાફિક સુરક્ષા નિયમોનું પાલન ન થવાથી ટીકા થઈ રહી છે.
રેલી દરમિયાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને ખુલ્લો પડકાર આપતાં 72,000 કરોડના ડ્રગ્સ મુદ્દે વન-ટુ-વન ડિબેટની માંગ કરી. તેમણે આક્ષેપ કર્યો કે દ્વારકા, સોમનાથ, અંબાજી સહિત યાત્રાધામોની નજીક ડ્રગ્સ, જુગાર અને દારૂના અડ્ડાઓ ફેલાયા છે. સાથે જ રાજ્યમાં 20 લાખ લોકો ડ્રગ્સના ચંગુલમાં હોવાનો દાવો કરીને સરકાર પર નિશાન સાધ્યું.
