મુંબઈ: શહેરને વધુ સ્વચ્છ અને સુંદર બનાવવાના હેતુ સાથે મુંબઈ મહાનગરપાલિકાએ ‘સ્વચ્છતા મંથન’ સ્પર્ધા–2026ની જાહેરાત કરી છે. આ સ્પર્ધા 1 જાન્યુઆરીથી 31 ડિસેમ્બર 2026 સુધી સમગ્ર મુંબઈમાં યોજાશે. પાલિકાએ નાગરિકો, હાઉસિંગ સોસાયટીઓ તેમજ ફિલ્મ, રમતગમત અને અન્ય ક્ષેત્રની સેલિબ્રિટીઓને વિસ્તારો દત્તક લઈ સ્વચ્છતા જાળવવામાં સક્રિય ભાગ લેવા અપીલ કરી છે.
સ્પર્ધામાં એડમિનિસ્ટ્રેટિવ વોર્ડ, રહેણાંક સંકુલો, શાળાઓ, ઝૂંપડપટ્ટી વિસ્તાર, બજાર, રસ્તા, બગીચા, હોસ્પિટલ, રેસ્ટોરાં સહિત વિવિધ કેટેગરીઓનો સમાવેશ થશે. કુલ રૂ. 4.20 કરોડના ઇનામો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં વિજેતાઓને રોકડ પુરસ્કાર અને પ્રમાણપત્ર આપવામાં આવશે. આ પહેલથી નાગરિકોમાં સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ વધશે અને મુંબઈને વધુ સ્વચ્છ બનાવવા માટે સામૂહિક પ્રયાસોને વેગ મળશે.
