ગુજરાત: ઉત્તર ભારતમાં હિમવર્ષાના પ્રભાવને કારણે ગુજરાતમાં પણ આખરે શિયાળાની સાચી ઠંડી અનુભવાઈ રહી છે. ગત રાત્રે રાજ્યના 13 શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે નોંધાયું હતું. તેમાં કચ્છનું નલિયા સૌથી ઠંડું રહ્યું, જ્યાં 9.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી ત્રણ દિવસ નલિયામાં તાપમાન 11 ડિગ્રીની આસપાસ રહેશે. દાહોદ, અમરેલી, વડોદરા અને રાજકોટમાં પણ 13 ડિગ્રીથી ઓછું તાપમાન નોંધાયું છે, જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી રહ્યું. વિભાગના અનુમાન અનુસાર આગામી ચાર દિવસ તાપમાનમાં મોટા ફેરફારની શક્યતા નથી, ત્યારબાદ 2થી 3 ડિગ્રી વધારાનો અંદાજ છે.
