અમદાવાદ બાદ હવે સુરતમાંથી પણ પોલીસની ગેરવર્તણૂકનો કિસ્સો સામે આવ્યો છે. ઉમરા વિસ્તારમાં રાત્રે દુકાન ખુલ્લી રાખવા મુદ્દે પોલીસ અને દુકાનદાર વચ્ચે વિવાદ થયો હતો, જે બાદ કેટલાક પોલીસકર્મીઓ ઉગ્ર બન્યા અને દુકાનમાં ઘૂસીને દુકાનદારને ધક્કા મારી હિંસાત્મક વલણ અપનાવ્યું હતું. સમગ્ર ઘટનાનો સીસીટીવી વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને પોલીસની કામગીરીની કડક નિંદા થઈ રહી છે.
વીડિયો વાયરલ થયા બાદ ઉચ્ચ અધિકારીઓ દ્વારા મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે અને જવાબદાર પોલીસકર્મીઓ સામે કડક કાર્યવાહી કરવાની વાત કરવામાં આવી છે. નોંધનીય છે કે, તાજેતરમાં અમદાવાદમાંથી પણ પોલીસની દાદાગીરીનો વીડિયો સામે આવ્યો હતો, જેને પગલે હેડ કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. વારંવાર આવી ઘટનાઓ સામે આવતા પોલીસની છબી અને કામગીરી પર ગંભીર સવાલો ઊભા થઈ રહ્યા છે.
