ઘાટકોપર પૂર્વના વલ્લભબાગ લેનમાં ફેરિયાઓના વધતા કબજાને લઈ રહેવાસીઓનો રોષ ઉફાન પર પહોંચ્યો છે. રોજ બપોરથી લઈને રાતના બાર-બે વાગ્યા સુધી ખાણી-પીણીના ફેરિયાઓ રસ્તા કબ્જે રાખે છે, જેના કારણે ભારે ટ્રાફિક જામ, ગંદકી અને પગપાળા ચાલનારા માટે સતત અસુવિધા સર્જાઈ રહી છે.
રહેવાસીઓનું કહેવું છે કે છેલ્લા બે-ત્રણ વર્ષમાં આ સમસ્યા ગંભીર બની ગઈ છે, જ્યારે બીએમસીમાં વારંવાર ફરિયાદો છતાં સ્થિતિ અનુકૂળ બદલાતી નથી. ફરિયાદ બાદ થોડો સમય કાર્યવાહી થાય છે, પરંતુ ફરીથી જ સ્થિતિ યથાવત થઈ જાય છે. કેટલાક રહેવાસીઓએ ધમકીભર્યા ફોન આવવાનો પણ આરોપ કર્યો છે.
સ્થાનિક લોકોનું માનવું છે કે મોટા ભાગના ફેરિયા ઘાટકોપરના ન હોવા છતાં અહીં આવી ગેરવ્યવસ્થા અને અફરાતફરી ફેલાવે છે. આ વિરોધ પ્રદર્શન માત્ર વલ્લભબાગ લેન સુધી મર્યાદિત ન રહ્યું, તિલક રોડ અને ખીમજી લેનના રહેવાસીઓ પણ તેમાં જોડાયા હતા, કારણ કે ત્યાં પણ રાત્રીના મોડા સુધી આમ જ પરિસ્થિતિ રહે છે.
