8મા પગાર પંચની ભલામણો જાહેર થવા હવે થોડો જ સમય બાકી છે ત્યારે સોમવારે કેન્દ્ર સરકારે સંસદમાં તેના અમલીકરણ અને લાભાર્થીઓ અંગે મહત્ત્વપૂર્ણ સ્પષ્ટતા આપી. નાણા રાજ્યમંત્રી પંકજ ચૌધરીએ જણાવ્યું કે દેશના 50 લાખથી વધુ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને 69 લાખ પેન્શનરોને આઠમું પગાર પંચ લાગુ થતા સીધો લાભ મળશે.
મંત્રીએ જણાવ્યું કે કમિશનને તેની રચનાથી 18 મહિનાની અંદર ભલામણો રજૂ કરવાની ફરજ છે. 7મા પગાર પંચની મુદત 31 ડિસેમ્બર 2025એ પૂરતી થઈ જશે, પરંતુ 8મા પગાર પંચ ક્યારથી લાગુ થશે તેની ચોક્કસ તારીખ હજી જાહેર કરવામાં આવી નથી.
કેન્દ્ર સરકારે પહેલાથી જ પગાર પંચના ટર્મ ઓફ રેફરન્સને મંજૂરી આપી ગેઝેટ નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. કમિશન હવે મૂળભૂત પગાર માળખું, ભથ્થાં, પેન્શન અને ખાસ કરીને મહત્વપૂર્ણ ફિટમેન્ટ ફેક્ટરમાં ફેરફાર જેવા મુદ્દાઓ પર પોતાના અંતિમ સુચનો તૈયાર કરશે.
