ઇન્ડોનેશિયાની રાજધાની જકાર્તામાં આજે (9 ડિસેમ્બર) ભયાનક આગની દુર્ઘટનામાં ઓછામાં ઓછા 20 લોકોનાં મોત થયા છે. મધ્ય જકાર્તાના રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારમાં આવેલી સાત માળની ઓફિસ બિલ્ડિંગમાં બપોરના સમયે આગ લાગી હતી. કોમ્પાસ ટીવીએ પુષ્ટિ કરી છે કે મૃતકોમાં 5 પુરુષો અને 15 મહિલાઓનો સમાવેશ થાય છે, જેમાં કેટલાક લોકોનું મોત ગુંગળામણને કારણે થયું છે.
ફાયર વિભાગ અનુસાર, આગની શરૂઆત ઇમારતના પ્રથમ માળે રાખેલા બેટરી સ્ટૉકમાંથી થઈ હતી. કર્મચારીઓએ પહેલાં જાતે આગ બુઝાવવાની કોશિશ કરી, પરંતુ બેટરીના વિસ્ફોટક ધુમાડા અને શીખાઓને કારણે આગ ઝડપથી ફેલાતી સાતમા માળ સુધી પહોંચી ગઈ.
ભીષણ આગથી આખી ઈમારતમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા, જેના કારણે ઓફિસ કર્મચારીઓ અને આસપાસના લોકોને ભાગદોડ મચી ગઈ. ફાયર બ્રિગેડને આગ કાબૂમાં લેવા ઘણા કલાકો લાગ્યા.
મીડિયા રિપોર્ટ મુજબ હજુ પણ કેટલાક લોકો ઈમારતની અંદર ફસાયેલા હોઈ શકે છે, જેથી મૃત્યુઆંક વધવાનો ભય છે. ફાયર ટીમ હાલમાં સમગ્ર બિલ્ડિંગની માળ-દર-માળ તપાસ કરી રહી છે.
