ભારતીય રેલવે દ્વારા રેલવે ભાડાના માળખામાં ફેરફાર (Rationalization) કરવાની જાહેરાત કરવામાં આવી છે, જે 26 ડિસેમ્બર 2025થી અમલમાં આવશે. રેલવેના જણાવ્યા મુજબ વધતા સંચાલન ખર્ચ અને મુસાફરોની સુરક્ષા તથા સુવિધાઓમાં સુધારો કરવાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.
રેલવે સ્પષ્ટ કરે છે કે સામાન્ય મુસાફરો પર ઓછો ભાર પડે તે રીતે ભાડામાં સંશોધન કરાયું છે. સબર્બન (લોકલ) ટ્રેનો તથા માસિક સિઝન ટિકિટ (MST)ના ભાડામાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. તેમજ ઓર્ડિનરી ક્લાસમાં 215 કિમી સુધીની મુસાફરી માટે પણ ભાડા યથાવત રાખવામાં આવ્યા છે.
જો કે, ઓર્ડિનરી નોન-એસી ક્લાસમાં 215 કિમીથી વધુ અંતરની મુસાફરી માટે પ્રતિ કિલોમીટર 1 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. પરિણામે 500 કિમી મુસાફરી કરવા માટે મુસાફરોને હવે રૂ. 10 વધારાનો ખર્ચ ચૂકવવો પડશે. રેલવેના આ નિર્ણયથી લાંબા અંતરની નોન-એસી મુસાફરી થોડી મોંઘી બનશે.
