જૂનાગઢ આજે પોતાનો 78મો મુક્તિ દિવસ ઉજવી રહ્યું છે — એ દિવસ, જ્યારે પાકિસ્તાન સાથે જોડાવાનો નવાબ મહાબત ખાન ત્રીજાનો નિર્ણય જનઆંદોલન અને આરઝી હકૂમતની લડત સામે ટકી શક્યો ન હતો. દીવાન ભુટ્ટો અને જિન્નાની યોજનાઓને પછાડી 9 નવેમ્બર, 1947ના રોજ જૂનાગઢ ભારત સંઘમાં ભળ્યું હતું. શામળદાસ ગાંધીની આગેવાની હેઠળ બનેલી આરઝી હકૂમત અને લોકસેનાની લડતના પરિણામે જૂનાગઢની પ્રજાએ 1,90,000 થી વધુ મતોથી ભારત સાથે ભળવાનો નિર્ણય કર્યો — જે દિવસ સૌરાષ્ટ્રના ઇતિહાસમાં સ્વાભિમાન અને એકતાનું પ્રતિક બની રહ્યો.

