સંસદના શિયાળુ સત્રમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોરે ‘જલ જીવન મિશન’ હેઠળની હર ઘર નલ સે જલ યોજનાની વર્તમાન સ્થિતિ અંગે સરકારે સ્પષ્ટતા માંગતા પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે દેશવ્યાપી પ્રગતિ, ભ્રષ્ટાચાર સંબંધિત ફરિયાદો અને ખાસ કરીને ગુજરાતની સ્થિતિ વિશે માહિતી માંગવા માટે સરકારને ધ્યાન દોર્યું હતું.
કેન્દ્ર સરકારે જવાબ આપતાં જણાવ્યું કે ઓગસ્ટ 2019થી દેશના દરેક ગ્રામીણ પરિવારમાં નળથી શુદ્ધ પીવાનું પાણી પહોંચાડવાના હેતુ સાથે જલ જીવન મિશન શરૂ થયો હતો. મિશન શરૂઆત વખતે 17 કરોડમાંથી માત્ર 3.23 કરોડ ગ્રામીણ પરિવારો પાસે જ નળ કનેક્શન હતા.
1 ડિસેમ્બર 2025 સુધીના આંકડા મુજબ સમગ્ર દેશમાં 19.36 કરોડ ગ્રામીણ પરિવારો પૈકી 15.75 કરોડ પરિવારોને (81.36%) નળ કનેકશન મળી ચૂક્યા છે. બાકીના 3.59 કરોડ પરિવાર સુધી જળસુવિધા પહોંચાડવાનું કામ ચાલુ છે.
ગુજરાત બાબતે સરકારે મહત્વની માહિતી આપી કે રાજ્યને ‘હર ઘર જલ’ જાહેર કરવામાં આવ્યું છે. એટલે કે, રાજ્યના 91.18 લાખમાંથી 100% ગ્રામીણ પરિવારો પાસે હવે નળથી જળ કનેકશન ઉપલબ્ધ છે.
2019 સુધી ગુજરાતમાં 65.16 લાખ (71.46%) પરિવારો પાસે કનેકશન હતા, જ્યારે ત્યારબાદ વધારાના 26.02 લાખ પરિવારોને નળ કનેકશન આપવામાં આવ્યા, જેના કારણે રાજ્ય સંપૂર્ણપણે કવર થઈ ગયું છે.
આ ઉપરાંત ગેનીબેન ઠાકોરે આપણા બનાસકાંઠા જિલ્લાની સમસ્યાઓ પર પણ ધ્યાન દોર્યું અને જણાવ્યું કે ગામે-ગામે દારૂ વેચાણની તપાસ માટે વિશેષ સર્વે યોજવામાં આવશે અને તેનો અહેવાલ સત્તાધિકારીઓ સુધી પહોંચાડવામાં આવશે.
