મુંબઈઃ શહેરની લાઈફલાઈન ગણાતી લોકલ ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે મહત્વપૂર્ણ સમાચાર છે. એસી લોકલમાં બનતી બનાવટી ટિકિટ અને પાસની ઘટનાઓમાં વધારા બાદ મધ્ય અને પશ્ચિમ રેલવે દ્વારા સખત નિર્ણય લેવામાં આવ્યો છે. હવે એસી લોકલમાં પ્રવાસ કરતી વખતે મુસાફરોને તેમના પાસની સાથે આઈડી કાર્ડ બતાવવું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.
માહિતી અનુસાર, ઓનલાઈન યુટીએસ એપમાં બનાવાયેલા ટિકિટ અને પાસ માન્ય રહેશે, પરંતુ ઓફલાઈન પાસ ધરાવનારાઓને ફરજિયાત આધાર કાર્ડ અથવા માન્ય ID બતાવવી પડશે. જો મુસાફર ID ન બતાવે તો પાસ હોવા છતાં પણ દંડ વસૂલ કરવામાં આવશે.
તાજેતરમાં AI અને એડિટિંગ સોફ્ટવેરની મદદથી બનાવટી એસી લોકલ પાસ બનાવવાના પાંચ જેટલા કેસ સામે આવ્યા હતા, જેના પગલે રેલવે અધિકારીઓએ બેઠક બોલાવી હતી. હવે ચેકર દ્વારા માત્ર યુટીએસ એપના ઓનલાઈન પાસને જ માન્ય ગણી શકાય છે. અન્ય કોઈ એપમાં બતાવેલ ઈ-ટિકિટનો સ્વીકાર નહીં કરવામાં આવે.
રેલવે એક્ટ મુજબ ટિકિટ વિના મુસાફરી પર ₹500 દંડ છે, જ્યારે બનાવટી ટિકિટ-પાસ બનાવવું ગંભીર ગુનો છે અને IPC કલમો હેઠળ સાત વર્ષ સુધીની જેલ સજા થઈ શકે છે.
