મુંબઈના ભાયખલા સ્થિત વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન અને પ્રાણીબાગમાં એક મહિનામાં બે રોયલ બંગાલ વાઘના મોત સામે પ્રશાસન હરકતમાં આવી ગયું છે. સ્થાનિક ભાજપ કાર્યકર્તા નિતીન બંકરે પ્રાણીબાગના અધિકારીઓ પર ગંભીર બેદરકારીના આક્ષેપો કરી સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીમાં ફરિયાદ કરવાની ચીમકી આપી છે.
રિપોર્ટ મુજબ, ૨૯ ઑક્ટોબર ૨૦૨૫ના રોજ વાઘ ‘રુદ્ર’ અને ૧૭ નવેમ્બર ૨૦૨૫ના રોજ વાઘ ‘શક્તિ’ના મોત થયા હતા. રુદ્રને ટ્રાયપેનોસોમા હોવાને કારણે જન્મથી જ નબળું ગણાવવામાં આવ્યું, જ્યારે શક્તિના મૃત્યુને લઈ ભોજન દરમ્યાન હાડકું ફસાવાનું કારણ સામે આવ્યું, પરંતુ અધિકારીઓએ તેને ન્યુમોનિયા ગણાવ્યો હતો.
આ સતત ઘટનાઓને કારણે વાઘોના મૃત્યુ પાછળની વાસ્તવિકતા જાણવા પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોવામાં આવી રહી છે. રિપોર્ટ મળ્યા બાદ સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા સંપૂર્ણ તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવા માગ કરવામાં આવી છે. હાલ ભાયખલા પ્રાણીબાગમાં માત્ર વાઘણી કરિશ્મા અને તેનો બચ્ચો ‘જય’ જ બચ્યા છે.
