અમદાવાદમાં ભારે વાહનોની બેફામ દોડ ફરી એકવાર શહેરવાસીઓ માટે જોખમ બની છે. ગુરૂવારે (18 ડિસેમ્બર) રાત્રે બોડકદેવ વિસ્તારમાં એક ડમ્પર ચાલકે ગફલતભરી રીતે વાહન ચલાવી ગંભીર અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત બાદ ભાગતા ડમ્પર ચાલકે રાણીપ સુધીના માર્ગમાં અનેક વાહનોને અડફેટે લીધા હતા. ઘટનાની જાણ થતાં પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી આરોપી ડમ્પર ચાલકની ધરપકડ કરી હતી.
મળતી માહિતી મુજબ રાત્રે અંદાજે 11 વાગ્યાના સુમારે વાડજ વિસ્તારના જયેશભાઈ પરમાર પોતાની એક્સેસ ગાડી બોડકદેવ સ્થિત ‘ટી પોસ્ટ’ દુકાન પાસે પાર્ક કરી હતી. ત્યારે પૂરપાટ ઝડપે આવેલા ડમ્પરે ગાડીને જોરદાર ટક્કર મારી હતી. આ ભીષણ અકસ્માતમાં ગાડીનો કચ્ચરઘાણ થઈ ગયો હતો અને અંદાજે એક લાખ રૂપિયાનું આર્થિક નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
