વડોદરામાં ઓનલાઈન ઠગોએ “ડિજિટલ એરેસ્ટ”નો ડર બતાવી સીનીયર સિટિઝન મહિલાને છેતરવાનો ગંભીર બનાવ સામે આવ્યો છે. આતંકવાદ સાથે જોડાયેલા ખોટા આરોપો લગાવી ઠગોએ મહિલાને વિશ્વાસમાં લઈ કોઈ સાથે વાત ન કરવા મજબૂર કરી અને રૂ.1.82 કરોડની મોટી રકમ પડાવી લીધી.
મળતી માહિતી મુજબ 4 ડિસેમ્બરે ભૂતડી જાપા વિસ્તારમાં રહેતી વૃદ્ધ મહિલાને અજાણ્યા શખ્સનો ફોન આવ્યો હતો. તેણે આધાર કાર્ડ પર બીજું સીમકાર્ડ લઈ તેના નામે 242 કરોડના ટ્રાન્ઝેક્શન અને 39 કેસ થયાનો ભય બતાવ્યો હતો. કોલાબા પોલીસ સાથે વાત કરવાની વાત કરી મહિલાને સતત માનસિક દબાણમાં રાખવામાં આવી હતી.
ઠગોએ મહિલાની દૈનિક ગતિવિધિઓ ઉપર નજર રાખી, તેને “ડિજિટલ એરેસ્ટ”માં હોવાનો ભાસ કરાવ્યો અને ધીમે ધીમે મોટી રકમ ટ્રાન્સફર કરાવી લીધી. ઘટનાની જાણ થતાં સાયબર સેલે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
