અમદાવાદમાં સાયબર ઠગ ટોળકીઓ ફરી એકવાર સક્રિય થઈ હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ચાંદખેડા વિસ્તારમાં રહેતા 58 વર્ષીય નિવૃત્ત નાગરિકને શેરબજાર અને ફોરેક્સ ટ્રેડિંગમાં ટૂંકા સમયમાં ઊંચું વળતર મળશે તેવી લાલચ આપી ઠગોએ કુલ રૂ. 26.98 લાખની છેતરપિંડી આચરી છે. આ મામલે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
ફરિયાદી અમિતાભ અક્ષયસિંહ ડાંગી ગત 6 જુલાઈ 2025ના રોજ ફેસબુક મારફતે અજાણ્યા વ્યક્તિઓના સંપર્કમાં આવ્યા હતા. ગણીકા યાદવ અને નીતીશ મેન્ટર નામે ઓળખ આપનારા ઠગોએ તેમને વિશ્વાસમાં લઈ ‘DEX Trade’ નામની ખોટી એપ્લિકેશન ડાઉનલોડ કરાવી અને ‘Market ETH Analysts’ નામના વોટ્સએપ ગ્રુપમાં જોડ્યા હતા. ગ્રુપમાં નફાના ખોટા સ્ક્રીનશોટ શેર કરીને રોકાણકારોને ફસાવવાની રીત અપનાવવામાં આવી હતી.
શરૂઆતમાં 11,000 રૂપિયાનું રોકાણ કરાવી 14,000 રૂપિયા પરત આપીને વિશ્વાસ જીત્યા બાદ, ઠગોએ અલગ-અલગ સમયે ફરિયાદી તથા તેમની પત્નીના બેન્ક ખાતામાંથી કુલ રૂ. 26.98 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. બાદમાં નફાની રકમ ઉપાડવા જતા 30 ટકા કમિશન અને સર્વિસ ચાર્જના બહાને વધુ પૈસાની માંગણી કરી રકમ પરત આપવાનો ઇનકાર કર્યો હતો.
છેતરપિંડીનો અહેસાસ થતાં ફરિયાદીએ 19 ઓગસ્ટ 2025ના રોજ સાયબર હેલ્પલાઇન 1930 પર જાણ કરી કાયદેસરની ફરિયાદ નોંધાવી છે. હાલ પોલીસ દ્વારા આરોપીઓ અને રકમ મેળવનાર ખાતાધારકોની શોધખોળ હાથ ધરવામાં આવી છે.
