ગુજરાત પોલીસ ભરતીની તૈયારીમાં લાગેલા હજારો ઉમેદવારો માટે મહત્વપૂર્ણ અપડેટ સામે આવ્યું છે. પોલીસ ભરતી બોર્ડે PSI અને LRD કેડરની કુલ 13,591 જગ્યાઓ માટે યોજાનારી શારીરિક કસોટીની સંભવિત તારીખ જાહેર કરી દીધી છે. જાહેરાત મુજબ જાન્યુઆરી-2026ના ત્રીજા સપ્તાહથી ફિઝિકલ ટેસ્ટની પ્રક્રિયા શરૂ થવાની શક્યતા છે, જેથી ઉમેદવારો પોતાની તૈયારીને વધુ વેગ આપવા લાગી ગયા છે.
જાહેર થયેલી વિગતો મુજબ PSI કેડરની 858 જગ્યાઓ અને લોકરક્ષક કેડરની 12,733 જગ્યાઓ માટે આ ફિઝિકલ ટેસ્ટ લેવામાં આવશે. PSIમાં બિન હથિયારી, હથિયારી અને જેલર ગ્રુપ-2 સહિત વિવિધ પોસ્ટનો સમાવેશ થાય છે, જ્યારે LRDમાં કોન્સ્ટેબલ અને જેલ સિપાહીની જગ્યાઓ માટે ભરતી થશે.
ઉમેદવારો ojas.gujarat.gov.in પર 3 ડિસેમ્બર 2025 બપોરે 2 વાગ્યાથી ઑનલાઇન અરજી કરી શકે છે. અરજી કરવાની છેલ્લી તારીખ 23 ડિસેમ્બર 2025 રાત્રે 11:59 સુધી નક્કી કરવામાં આવી છે.
આ ભરતીને લઈને યુવાનોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે, કારણ કે લાંબા સમય બાદ પોલીસ વિભાગમાં મોટા પાયે ભરતી થવા જઈ રહી છે. હવે ઉમેદવારો માટે ફિઝિકલ ટેસ્ટની તૈયારીઓ તેજ કરવાની જરૂર છે.
