ઈન્ડિગોએ પોતાની સેવાઓમાં વિક્ષેપના કારણે મુસાફરોને થયેલી અસુવિધા માટે માફી માગી અને રિફંડની પ્રક્રિયા શરૂ કરી. 3, 4 અને 5 ડિસેમ્બરના સમયમાં વિલંબ અથવા રદ થયેલી ફ્લાઇટ્સ માટે મુસાફરોને ₹10,000 સુધીના વાઉચર સાથે વળતર આપવામાં આવશે. આ નિર્ણય દિલ્હી હાઈકોર્ટની ફિટકાર અને કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા બાદ લેવાયો છે.
ઈન્ડિગોએ જણાવ્યું કે, રદ થયેલી તમામ ફ્લાઇટ્સ માટે રિફંડની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, જે ટૂંક સમયમાં મુસાફરોના ખાતામાં જમા થઈ જશે. ટ્રાવેલ પાર્ટનર મારફતે બુકિંગ કરાવનારા મુસાફરો customer.experience@goindigo.in પર સંપર્ક કરી શકે છે.
3, 4 અને 5 ડિસેમ્બર દરમિયાન ભારે ભીડને કારણે એરપોર્ટ પર કલાકો અટવાઈ ગયેલા મુસાફરો માટે એરલાઇન ₹10,000 સુધીના ટ્રાવેલ વાઉચર ઓફર કરશે, જે આગામી 12 મહિનામાં ભવિષ્યની મુસાફરી માટે વાપરી શકાય. આ વળતર સરકારે નક્કી કરેલી નિયમોની મર્યાદા હેઠળ આપવામાં આવે છે.
સંકટને કારણે મુસાફરોને પડતી અસુવિધાને પગલે કેન્દ્ર સરકારે તમામ રૂટ પર હવાઈ ભાડાની મહત્તમ મર્યાદા નક્કી કરી હતી. આ પગલાંનો ઉદ્દેશ ભાડા વધારવાનું રોકવું અને મુસાફરોને અનાવશ્યક ખર્ચથી બચાવવાનો છે.
