સાબરકાંઠાના ઇડર તાલુકા પંચાયતની ગ્રામ વિકાસ શાખામાં એસીબીએ છટકું ગોઠવી મોટી કાર્યવાહી કરી છે. હંગામી કર્મચારી તરીકે ફરજ બજાવતા ભાજપ યુવા મોરચાના આગેવાન કમલ નારાયણદાસ પટેલ અને હંગામી મહિલા કર્મચારી જીન્નતબેન પટેલને રૂ.1.25 લાખની લાંચ લેતા રંગેહાથ પકડી પાડવામાં આવ્યા છે, જ્યારે એક અન્ય કર્મચારી ઘટનાસ્થળેથી ફરાર થયો હતો.
મળતી માહિતી મુજબ સેગ્રેગેશન કચરાના વર્ગીકરણના કામના બિલ મંજૂર કરાવવા બદલ ત્રણ કર્મચારીઓએ કોન્ટ્રાક્ટર પાસે 12 ટકા લેખે લાંચની માગણી કરી હતી. લાંચ આપવાનો ઇનકાર કરતાં કોન્ટ્રાક્ટરે એસીબીનો સંપર્ક કર્યો હતો. બાદમાં એસીબીએ તાલુકા પંચાયત કચેરીમાં ટ્રેપ ગોઠવી બંને આરોપીઓને લાંચ લેતા ઝડપ્યા હતા.
પકડાયેલા આરોપીઓને હિંમતનગર સ્થિત એસીબી કચેરીમાં લઈ જઈ વધુ પૂછપરછ અને તપાસ હાથ ધરવામાં આવી છે.
