અખિલ ગજરાત વિદ્યુત કામદાર સંઘ (AGVKS) માં અરાજકતા અને તાનાશાહીની પરાકાષ્ઠા: બળદેવ પટેલ સામે ભારે આક્રોશ વચ્ચે સંગઠનમાં ઐતિહાસિક ભંગાણ, ૬૦૦થી વધુ રાજીનામાં પડતાં યુનિયનનું અસ્તિત્વ જોખમમાં!
કર્મચારીઓના હિતો વેચી મારવાનો આક્ષેપ: અંજાર સર્કલના ટોચના હોદ્દેદારોએ આપ્યા સામૂહિક રાજીનામા; આગામી દિવસોમાં અન્ય વીજ કંપનીઓમાંથી પણ પત્તાના મહેલની જેમ વિખેરાઈ જશે સંગઠન
કર્મચારીઓના હકોનું રક્ષણ કરવાને બદલે માત્ર અંગત સ્વાર્થ અને મનસ્વી વહીવટ ચલાવતા અખિલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ (AGVKS) નો અસલી ચહેરો હવે ખુલ્લો પડી ગયો છે. સિનિયર સેક્રેટરી જનરલ બળદેવ પટેલની હિટલરશાહી અને કર્મચારી વિરોધી નીતિઓ સામે રાજ્યભરમાં પ્રચંડ વિરોધનો વંટોળ ઊભો થયો છે. કચ્છના અંજાર સર્કલમાંથી શરૂ થયેલા આ બળવાએ સમગ્ર વીજ આલમમાં AGVKS ના સૂપડાં સાફ કરવાની શરૂઆત કરી દીધી છે.
પાયાના કાર્યકરોની ઉપેક્ષા અને નેતાગીરીનું અંધેર તંત્ર
અંજાર સર્કલના હોદ્દેદારોએ રજૂ કરેલા રાજીનામાના પત્રમાં સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે, સંઘના મોવડી મંડળ દ્વારા સ્થાનિક પ્રશ્નોનું કોઈ નિરાકરણ લાવવામાં આવતું નહોતું અને સતત કર્મચારીઓની ઘોર અવગણના કરવામાં આવતી હતી. અન્યાય અને અસત્યનો પર્યાય બની ચૂકેલા આ યુનિયનમાં કામ કરવા કરતાં કર્મચારીઓએ પોતાના સ્વાભિમાન ખાતર રાજીનામું આપવાનો આકરો નિર્ણય લીધો છે.
અંજાર સર્કલમાંથી સંગઠનને લાત મારનાર મુખ્ય આગેવાનો:
* મહાવીરસિંહ એચ. જાડેજા – એડિશનલ જનરલ સેક્રેટરી (ટેક.)
* સુધીર પી. ચૌહાણ – એડિશનલ જનરલ સેક્રેટરી (ટેક.)
* અનિલકુમાર વરૂ – ડિવિઝન સેક્રેટરી (ટેક.)
અંદાજે ૬૦૦ રાજીનામાં: હવે અન્ય વીજ કંપનીઓનો વારો
સૂત્રો પાસેથી મળતી ચોંકાવનારી વિગતો મુજબ, બળદેવ પટેલના નેતૃત્વ સામે અવિશ્વાસ દર્શાવી અત્યાર સુધીમાં અંદાજે ૬૦૦ જેટલા કર્મચારીઓ અને સભ્યોએ રાજીનામા આપી દીધા છે. કર્મચારીઓમાં એવી ભારે ચર્ચા છે કે યુનિયનનું નેતૃત્વ કર્મચારીઓના હિતો સાચવવામાં સદંતર નિષ્ફળ નીવડ્યું છે. અંજાર બાદ હવે રાજ્યની અન્ય પેટા વીજ કંપનીઓમાંથી પણ મોટા પાયે રાજીનામાનો દોર શરૂ થવાનો છે, જેના કારણે AGVKS નું વજૂદ કાગળ પર જ સીમિત રહી જાય તેવી પરિસ્થિતિ નિર્માણ પામી છે.
