પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસે (TMC) પોતાના જ ધારાસભ્ય હુમાયુ કબીર સામે કડક કાર્યવાહી કરી છે. હુમાયુ કબીરે બાબરી મસ્જિદના નિર્માણની જાહેરાત કરવાથી રાજ્યની રાજનીતિ ગરમાઈ ગઈ હતી અને ટીએમસી માટે મોટું સંકટ ઉભું થયું હતું. પાર્ટીએ કહ્યું છે કે કબીર ભાજપને રાજકીય રીતે મદદ કરવા માટે મુદ્દાને સાંપ્રદાયિક રંગ આપી રહ્યા છે, જેના કારણે તેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
ટીએમસી મંત્રી ફિરહાદ હાકિમે જણાવ્યું કે હુમાયુ કબીરને અગાઉ પણ ચેતવણી આપવામાં આવી હતી, છતાં તેઓ વારંવાર વિવાદિત નિવેદનો આપી રહ્યા હતા. હાકિમે સ્પષ્ટ કર્યું કે હવે પાર્ટીનો કબીર સાથે કોઈ સંબંધ નથી.
સૂત્રો અનુસાર, મુખ્યમંત્રી મમતા બેનરજી પણ આ ઘટનાથી નારાજ છે. પક્ષના નેતૃત્વે સ્પષ્ટ કરી દીધું છે કે બાબરી મસ્જિદના નિર્માણ સાથે ટીએમસીનો કોઈ લેવાદેવા નથી અને ધારાસભ્યને પણ આ વાત સમજાવી દેવામાં આવી હતી.
