વડોદરા શહેરના છાણી અને તરુણ નગર વિસ્તારમાં મોડી રાત્રે ગેસ લીકેજ જેવી તીવ્ર દુર્ગંધ ફેલાતાં સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. રહીશો અને વાહનચાલકોને આંખોમાં બળતરા, ગળામાં ખંજવાળ અને શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદો નોંધાઈ હતી. બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ અને ગેસ વિભાગના કર્મચારીઓએ વિસ્તારમાં તપાસ હાથ ધરી હતી, પરંતુ ઘરેલુ ગેસ લાઇન કે સિલિન્ડરમાં કોઈ લીકેજ મળી આવ્યું નહોતું.
સ્થાનિક મહિલા કોર્પોરેટર પુષ્પા વાઘેલાએ નજીકની એલેમ્બિક કંપની તરફથી ગેસ છોડવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો કર્યા છે અને લોકોના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું કરનારા ઉદ્યોગો સામે GPCBની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા છે. ઉલ્લેખનીય છે કે છાણી વિસ્તારમાં અગાઉ પણ અનેક વખત આવી ગેસ દુર્ગંધ અને શ્વાસની તકલીફની ઘટનાઓ બની ચૂકી છે, છતાં વારંવારની ફરિયાદો છતાં કોઈ કાયમી ઉકેલ ન મળતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
