પ્રથમ વર્ષના NSS સ્વયંસેવકોનું કાઉન્સેલિંગ અને ડો. ભરત મોઢપટેલના છ પુસ્તકોનું વિમોચનl
આદિપુર: તોલાણી કોલેજ ઓફ આર્ટસ એન્ડ સાયન્સના એન.એસ.એસ. વિભાગ દ્વારા એન.એસ.એસ. ગેટ-ટુ-ગેધર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન પ્રથમ વર્ષમાં એન.એસ.એસ. સાથે જોડાયેલા વિદ્યાર્થીઓનું કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોલેજના સંસ્કૃત વિભાગના અધ્યક્ષ તથા એન.એસ.એસ. પ્રોગ્રામ ઓફિસર ડો. ભરત મોઢપટેલ દ્વારા પ્રકાશિત છ પુસ્તકોનું વિમોચન પણ કરવામાં આવ્યું હતું.
પુસ્તક વિમોચન કાર્યક્રમ ગાંધીધામ કોલેજિયેટ બોર્ડના હેડ એડમિન શ્રી રાજેન્દ્ર આસવાણી, કોલેજના આચાર્ય ડો. સુશીલ ધર્માણી, પ્રાધ્યાપકો તેમજ એન.એસ.એસ.ના સિનિયર અને નવા જોડાયેલા સ્વયંસેવકોની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે શ્રી રાજેન્દ્ર આસવાણીનું સન્માન કરવામાં આવ્યું હતું.
કોલેજના આચાર્ય ડો. સુશીલ ધર્માણીએ ડો. ભરત મોઢપટેલ દ્વારા પ્રકાશિત પુસ્તકો વિદ્યાર્થીઓ વાંચે અને તેમાં રહેલા વિષયને સમજવાનો પ્રયાસ કરે તેવી અપેક્ષા વ્યક્ત કરી હતી. જ્યારે શ્રી રાજેન્દ્ર આસવાણીએ કોલેજમાં સતત સંશોધન કાર્ય થતું રહે અને વિદ્યાર્થીઓ તથા અધ્યાપકો પોતાની યોગ્યતામાં સતત વધારો કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી હતી. તેમણે ડો. ભરત મોઢપટેલને પુસ્તકોના પ્રકાશન બદલ અભિનંદન અને શુભ આશીર્વાદ આપ્યા હતા.
આ પ્રસંગે ડો. ભરત મોઢપટેલે પોતાના પ્રકાશિત થયેલા છ પુસ્તકો અંગે આંશિક માહિતી આપી હતી. ત્યારબાદ પ્રથમ વર્ષના નવા જોડાયેલા એન.એસ.એસ. સ્વયંસેવકોને ગત વર્ષ દરમિયાન એન.એસ.એસ. દ્વારા કરવામાં આવેલી વિવિધ પ્રવૃત્તિઓ અંગે PPTના માધ્યમથી માહિતગાર કરવામાં આવ્યા હતા.
ડો. ભરત મોઢપટેલે એન.એસ.એસ. શું છે, તેમાં કઈ પ્રકારની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને એન.એસ.એસ.નું પ્રમાણપત્ર મેળવવા માટેની પ્રક્રિયા અંગે પણ વિદ્યાર્થીઓને વિસ્તૃત સમજ આપી હતી. એન.એસ.એસ.ની કામગીરી પૂર્ણ કરનારા વિદ્યાર્થીઓનું પ્રમાણપત્ર સાથે સન્માન પણ કરવામાં આવ્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન સિંધી વિભાગના અધ્યક્ષા ડો. વિમ્મી સદારંગાણીએ કર્યું હતું. કાર્યક્રમમાં કોલેજના મોટી સંખ્યામાં અધ્યાપકો ઉપસ્થિત રહ્યા હતા અને ડો. ભરત મોઢપટેલના પુસ્તકોના પ્રકાશન બદલ તેમને શુભેચ્છાઓ પાઠવી હતી.
કાર્યક્રમને સફળ બનાવવા એન.એસ.એસ.ના ભાગ્યશ્રી મોતા, દિવ્યા ગુપ્તા, ધ્રુવી તેમજ અન્ય સ્વયંસેવકોએ સહયોગ આપ્યો હતો. અંતે રાષ્ટ્રગાન સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું.
