પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદમાં ટીએમસીના સસ્પેન્ડ ધારાસભ્ય હુમાયુ કબીરે બાબરી મસ્જિદના મોડલ પર આધારીત મસ્જિદનો શિલાન્યાસ કરતાં રાજ્યમાં રાજકીય તણાવ વધી ગયો છે. મોટી સંખ્યામાં લોકો સ્થળે પહોંચતા સુરક્ષા માટે 3,000થી વધુ પોલીસ જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.
ભાજપે ટીએમસી અને મમતા બેનર્જી પર ગંભીર પ્રહાર કરતા આરોપ લગાવ્યો છે કે રાજકીય લાભ મેળવવા માટે તેઓ મુસ્લિમ ભાવનાઓનો ધ્રુવીકરણ કરી રહ્યા છે. ભાજપ આઈટી સેલ પ્રમુખ અમિત માલવિયાએ જણાવ્યું કે સસ્પેન્ડ ધારાસભ્ય કબીરનો ઉપયોગ કરીને ટીએમસી મતબેંકની રાજનીતિ રમી રહી છે.
બીજી તરફ, ભાજપના રાષ્ટ્રીય મહામંત્રી તરુણ ચૂધે બાબરને આક્રમક રીતે નિશાન બનાવતાં સ્પષ્ટ કહ્યું કે દેશ બાબરના નામ પર કોઈ સ્મારક કે નિર્માણ સ્વીકારશે નહીં.
શિલાન્યાસ દરમિયાન અનેક લોકો ઈંટો સાથે ટ્રેક્ટરમાં અથવા માથા પર ઈંટ રાખીને પહોંચ્યા હતા. હુમાયુ કબીર પહેલેથી જ ટીએમસી પર વાકપ્રહાર કરી ચૂક્યા હોવાથી પાર્ટીએ તેમને વિરોધી પ્રવૃત્તિઓ બદલ સસ્પેન્ડ કર્યા છે. કબીરે પોતાની અલગ પાર્ટી બનાવવા અને મસ્જિદ નિર્માણ માટે સરકાર પાસેથી એક રૂપિયો પણ ન લેવા પુનઃપુષ્ટિ કરી છે.
