સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસનો દબદબો, પરંતુ થરુરના ગઢમાં ભાજપની ઘૂસણખોરી! કેરળની રાજનીતિમાં નવા સંકેત

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

2026ની વિધાનસભા ચૂંટણી પહેલા કેરળની સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના પરિણામોએ રાજ્યની રાજનીતિમાં ખળભળાટ મચાવી દીધો છે. એક તરફ કોંગ્રેસના નેતૃત્વ હેઠળની યુનાઇટેડ ડેમોક્રેટિક ફ્રન્ટ (UDF)એ બહુમતી સ્થાનિક સંસ્થાઓમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે, તો બીજી તરફ કોંગ્રેસના દિગ્ગજ નેતા શશી થરુરના ગઢમાં ભાજપે જીત મેળવી ઇતિહાસ રચ્યો છે.

ભાજપના નેતૃત્વ હેઠળના NDAએ તિરુવનંતપુરમ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ ત્રિપુનિથુરા જેવી કોંગ્રેસની મજબૂત ગણાતી બેઠક જીતતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વંટોળ સર્જાયો છે. આ જીતને માત્ર સ્થાનિક સ્તરની સફળતા તરીકે નહીં, પરંતુ કોંગ્રેસના કિલ્લામાં પડેલી ભીંત તરીકે જોવામાં આવી રહી છે.

મતગણતરીના વલણો મુજબ, UDF 3155 વોર્ડમાં આગળ છે, જ્યારે CPI(M)ની આગેવાની હેઠળની LDF 2565 વોર્ડમાં સીમિત રહી છે. ભાજપના NDAને 577 વોર્ડમાં આગળ વધવાની તક મળી છે, જે કેરળ જેવા પરંપરાગત રીતે ભાજપ માટે મુશ્કેલ રાજ્યમાં નોંધપાત્ર માનવામાં આવે છે.

ચૂંટણી દરમિયાન સબરીમાલા મંદિરના સોનાના ગાયબ થવાના મુદ્દે UDFએ LDF સરકારને ઘેરી હતી અને તેને વહીવટી નિષ્ફળતા તરીકે રજૂ કરી હતી. આ મુદ્દો લોકોમાં અસરકારક રહ્યો. બીજી તરફ, LDF દ્વારા કોંગ્રેસ સામે ચલાવાયેલી ઝુંબેશ જનમાનસમાં ખાસ અસર છોડી શકી નથી.

સ્થાનિક ચૂંટણીના આ પરિણામોએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, કેરળની રાજનીતિ હવે પરંપરાગત રેખાઓથી આગળ વધી રહી છે અને ભાજપ ધીમે ધીમે કોંગ્રેસના ગઢમાં ઘૂસણખોરી કરી રહી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें