વિશ્વના મહાન ફૂટબૉલર લિયોનેલ મેસીની GOAT India Tour 2025 હેઠળની કોલકાતા મુલાકાત ચાહકો માટે સપનું નહીં, પરંતુ દુઃસ્વપ્ન સાબિત થઈ. 5 હજારથી 10 હજાર રૂપિયા સુધીની મોંઘી ટિકિટો ખરીદ્યા છતાં હજારો ફેન્સને મેસીની એક ઝલક પણ જોવા ન મળતા ભારે રોષ ફાટી નીકળ્યો.
13 ડિસેમ્બરે સાલ્ટ લેક સ્ટેડિયમ (VYBK)માં યોજાયેલા કાર્યક્રમમાં મેસી ફક્ત થોડાક મિનિટો માટે દેખાયો, તે પણ મોટા ભાગના દર્શકોની પહોંચ બહાર. પરિણામે સ્ટેડિયમમાં હોબાળો મચી ગયો. રોષે ભરાયેલા ચાહકોએ સુરક્ષા બેરિકેડ તોડી નાખ્યા, બોટલો ફેંકી અને સ્ટેડિયમની બેઠકો તોડી નાંખી.
પરિસ્થિતિ એટલી વણસી ગઈ કે કાર્યક્રમ અધવચ્ચે જ રોકવો પડ્યો. બોલિવૂડ સ્ટાર શાહરુખ ખાન, પૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલી અને મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ ઇવેન્ટનો ભાગ બની શક્યા નહીં. આયોજક શતદ્રુ દત્તા અને મેસીને તાત્કાલિક સ્થળ છોડવું પડ્યું.
સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં તૂટેલા સાઇનબોર્ડ, દોડતા ચાહકો અને અવ્યવસ્થાનો નંગધડંગ ચહેરો જોવા મળ્યો. અનેક ફેન્સે આરોપ લગાવ્યો કે, મેસીની મુલાકાત ફક્ત રાજકારણીઓ અને સેલિબ્રિટીઓ માટે રાખવામાં આવી હતી, જ્યારે સાચા સમર્થકોને ઠગાઈનો ભોગ બનાવાયા. ઘણા ચાહકોએ આ સમગ્ર કાર્યક્રમને ખુલ્લેઆમ “સ્કેમ” ગણાવ્યો છે.
