અમદાવાદ શહેરમાં પાણી પુરવઠો જાળવવો મ્યુનિસિપલ કોર્પોરેશન માટે ભારે ખર્ચાળ સાબિત થઈ રહ્યો છે. શહેરની અંદાજિત 75 લાખ વસ્તીને દરરોજ માથાદીઠ સરેરાશ 255 લીટર પાણી પહોંચાડવા AMC રોજે રોજ લગભગ રૂ. 2 કરોડનો ખર્ચ કરે છે. નર્મદા કેનાલથી શહેરના 235 વોટર ડિસ્ટ્રિબ્યુશન સ્ટેશન સુધી પાણી લાવી, તેને ટ્રીટમેન્ટ અને કલોરીનેશન કરીને પુરવઠો કરવામાં આવે છે, જેના પાછળ વાર્ષિક રૂ. 725 કરોડ જેટલો ખર્ચ થાય છે.
આ મોટા ખર્ચ સામે AMCને વોટર ટેક્સ રૂપે વાર્ષિક માત્ર રૂ. 273 કરોડની આવક થાય છે. અમદાવાદની સરખામણીમાં સુરત, રાજકોટ અને વડોદરા જેવા શહેરોમાં લોકોને દરરોજ માથાદીઠ 150થી 200 લીટર પાણી પૂરું પાડવામાં આવે છે. નર્મદા જળ કચ્છ સુધી પહોંચાડવાની યોજના અમલમાં આવતાં, ભવિષ્યમાં પાણીની માંગ વધુ વધવાની શક્યતા છે.
કોર્પોરેશન દ્વારા કોતરપુર, જાસપુર અને રાસ્કા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં રો વોટરનું શુદ્ધિકરણ કરીને શહેરના ઘરઘર સુધી પાણી પહોંચાડવામાં આવે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં વરસાદનું પ્રમાણ સરેરાશ 45 ઇંચની આસપાસ હોવા છતાં, વધતી વસ્તી અને વપરાશને ધ્યાનમાં રાખીને અમદાવાદીઓએ પાણીનો સંયમપૂર્વક ઉપયોગ કરવાની જરૂરિયાત ઊભી થઈ છે.
