રાજકોટમાં મોબાઈલ વ્યસન કેટલી ભયાનક અસર કરી શકે છે તેનો હચમચાવી દેતો કિસ્સો સામે આવ્યો છે. ચંદ્રેશનગર વિસ્તારમાં રહેતા ધોરણ 7માં અભ્યાસ કરતા 12 વર્ષના વિદ્યાર્થીએ થોડા કલાક માટે મોબાઈલ વાપરવા ન મળતાં આત્મહત્યા કરી લીધી હોવાની ઘટના સામે આવી છે. આ બનાવે વાલીઓ અને સમાજને ગંભીર વિચાર કરવા મજબૂર કરી દીધા છે.
માલવિયાનગર પોલીસ મથકના સૂત્રો અનુસાર, ચંદ્રેશનગર મેઈન રોડ પાસે રહેતા સૌરભ રાકેશભાઈ પાંડે (ઉ.વ.12) સતત મોબાઈલ સ્ક્રીનમાં મશગુલ રહેતા હતા. મોબાઈલનો અતિશય ઉપયોગ વધતા પિતાએ તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ આદતમાંથી તે બહાર આવી શક્યો ન હતો. અંતે પિતાએ મોબાઈલનો પાસવર્ડ બદલાવી દીધો હતો.
મોબાઈલ ચાલુ ન થતા અને પાસવર્ડ માટે માતા પાસે આગ્રહ કર્યા બાદ હતાશ થયેલો સૌરભ બપોર દરમિયાન રૂમમાં ગયો અને આપઘાત કરી લીધો. 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. મૃતકને પાંચ વર્ષનો નાનો ભાઈ હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનાએ મોબાઈલ વ્યસન, બાળકો પર તેનો માનસિક પ્રભાવ અને વાલીઓની સજાગતાની જરૂરિયાત તરફ ગંભીર સંકેત આપ્યો છે.
