ગુજરાત માટે રમતગમત ક્ષેત્રમાં વધુ એક ગૌરવનો અવસર આવી રહ્યો છે. ધરોઈ ડેમને દક્ષિણ એશિયાની પહેલી ફૂલ આયર્નમેન ટ્રાયથલોન માટે સંભવિત સ્થળ તરીકે શોર્ટલિસ્ટ કરવામાં આવ્યું છે. રાજ્ય સરકાર ધરોઈને એડવેન્ચર ટૂરિઝમ સેન્ટર તરીકે વિકસાવી રહી છે અને ઈવેન્ટનું આયોજન સરકારની પ્રાથમિકતાઓમાં છે.
એન્ડ્યુરન્સ ઈવેન્ટ્સનું સંચાલન કરતી યોક્સા સંસ્થાના પ્રતિનિધિઓએ ગાંધીનગરમાં રાજ્યના અધિકારીઓ સાથે મહત્વપૂર્ણ બેઠક કરી હતી. નાયબ મુખ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પણ સોશિયલ મીડિયામાં ધરોઈને પ્રસ્તાવિત સ્થળ તરીકે જાહેર કર્યું છે.
જો આયોજન મંજૂર થશે તો ગુજરાત દક્ષિણ એશિયાની પહેલી ફૂલ આયર્નમેન ટ્રાયથલોન યોજનાર રાજ્ય બનશે. આ 3 દિવસ ચાલતી અને કુલ 226 કિમીની પડકારસભર રમત સ્પર્ધામાં 3.8 કિમી સ્વિમિંગ, 180 કિમી સાયકલિંગ અને 42.2 કિમી મેરેથોનનો સમાવેશ થાય છે.
આ ઈવેન્ટ ડિસેમ્બર 2026 અથવા 2027ની શરૂઆતમાં યોજાઈ શકે છે, કારણ કે રૂટ તૈયાર કરવા માટે ઓછામાં ઓછો એક વર્ષનો સમય લાગશે. સાથે જ ધરોઈ ડેમ ખાતે 30 દિવસનો વિશાળ રમતોત્સવ આયોજિત કરવાની સરકાર વિચારણા કરી રહી છે જેથી આ સ્થળને કાયમી સ્પોર્ટ્સ ડેસ્ટિનેશન બનાવવામાં આવે.
ગુજરાતને પહેલેથી જ કોમનવેલ્થ ગેમ્સ 2030ની યજમાની મળી છે. આવા સતત મોટા ઈવેન્ટ્સ ગુજરાતને વૈશ્વિક રમતગમત નકશા પર વધુ મજબૂત સ્થિતિ આપશે.
