સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને સતત વિવાદોમાં રહેતી કીર્તિ પટેલ સામે સુરતમાં વધુ એક ગુનો નોંધાયો છે. પહેલેથી જ ‘પાસા’ એક્ટ હેઠળ જેલમાં બંધ કીર્તિ પટેલ પર હવે 10મો ગુનો ઉમેરાયો છે. મળતી માહિતી મુજબ, કીર્તિ પટેલે સુરતના એક વેપારીને ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી કોલ કરી ગાળો આપી અને તેની પત્ની વિશે પણ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો. ત્યારબાદ વેપારીને બદનામ કરતી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ કરી હતી.
આ મામલે લસકાણા પોલીસે ધમકી, અપમાન અને બદનામ કરવા મુદ્દે ગુનો દાખલ કર્યો છે. કીર્તિ પટેલ પહેલા પણ મારામારી, ખંડણી, ધમકી અને સોશિયલ મીડિયા દ્વારા અપમાન જેવા અનેક કેસોમાં આરોપી રહી ચૂકી છે. આ નવું કેસ તેની વિવાદાસ્પદ પ્રવૃત્તિઓની યાદીમાં વધુ એક ઉમેરો કરે છે.
કીર્તિ પટેલ પર બિલ્ડર પાસે 30 લાખની ખંડણી માંગવાના કેસમાં જૂન 2025માં ધરપકડ થઈ હતી અને હાલ તે વડોદરા સેન્ટ્રલ જેલમાં છે. ઇન્સ્ટાગ્રામ પર 13 લાખથી વધુ ફોલોઅર્સ ધરાવતી કીર્તિ પટેલ વિરુદ્ધ સુરત, ગાંધીનગર, પાટણ અને જૂનાગઢ જેવી અનેક જગ્યાએ કેસ નોંધાયા છે. પોલીસ જણાવ્યું હતું કે કીર્તિ સોશિયલ મીડિયા પર ધમકીભર્યા વીડિયો બનાવી લોકોની બદનામીને હથિયાર તરીકે વાપરતી હતી.
‘પાસા’ એક્ટ લાગુ થતા કીર્તિ પટેલને જામીન મળવાની શક્યતા ઓછી છે અને ઓછામાં ઓછું એક વર્ષ સુધી જેલમાં રહેવું પડી શકે છે. પાસા એક્ટ સામાન્ય રીતે બુટલેગર, ડ્રગ અપરાધી, મિલકત પચાવી પાડનારા અને સાયબર ગુનેગારો જેવા ખતરનાક તત્વો પર લાગુ થાય છે.
