જામનગરમાં સરકારની ઓનલાઇન જી.ઇ.એમ. (GEM) પોર્ટલનો દુરુપયોગ કરી રૂ. 4 કરોડથી વધુની મોટી ઠગાઈ કરનાર આરોપીને પોલીસે અમદાવાદથી ઝડપી લીધો છે. બોગસ વર્ક ઓર્ડર બનાવી તેને ખરા તરીકે રજૂ કરી લોકોને નફાની લાલચ આપી કરોડોની છેતરપિંડી કરાઈ હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે.
આ મામલે ગત તા. 27-11-2025ના રોજ જામનગર સિટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદી અશ્વિનભાઈ વશરામભાઈ વારાએ આરોપ લગાવ્યો હતો કે મનસીલ હર્ષદભાઈ કોયાએ પોતાને સરકારી GEM પોર્ટલ મારફતે ગ્રામ પંચાયત માટે ડસ્ટબીન, સ્ટ્રીટ લાઇટ, આર.ઓ. પ્લાન્ટ જેવા કામોના વર્ક ઓર્ડર મળ્યા હોવાનું કહી ખોટા દસ્તાવેજો બનાવી બતાવ્યા હતા.
આ ખોટા વર્ક ઓર્ડરોના આધારે ટકાવારીમાં નફો આપવાની લાલચ આપી ફરિયાદી તથા અન્ય સાહેદો પાસેથી કુલ રૂ. 4 કરોડ જેટલી રકમ વસૂલ કરી લેવામાં આવી, પરંતુ રકમ પરત ન આપતા ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો બન્યો હતો.
પોલીસ ઇન્સપેક્ટર એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ ટીમે ટેકનિકલ એનાલિસિસ કરી આરોપી અમદાવાદમાં હોવાની માહિતી મેળવી હતી. ત્યારબાદ આરોપી મનસીલ હર્ષદભાઈ કોયાને અમદાવાદથી ઝડપી ધોરણસર અટક કરવામાં આવ્યો છે. હાલ પોલીસ વધુ પૂછપરછ કરી રહી છે અને ઠગાઈમાં અન્ય શખ્સોની સંડોવણી છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.
