સુરતમાં રખડતા શ્વાનોનો જીવલેણ આતંક: ખેતરે જતી વૃદ્ધા પર 5 શ્વાનોનો હુમલો, યુવકના હસ્તક્ષેપથી જીવ બચ્યો

👇समाचार सुनने के लिए यहां क्लिक करें

સુરત જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં રખડતા શ્વાનોનો ત્રાસ હવે જીવલેણ સ્વરૂપ ધારણ કરી રહ્યો છે. માંડવી તાલુકાના કાટકુવા ગામે ખેતરે જતી એક વૃદ્ધા પર પાંચ રખડતા શ્વાનોએ એકસાથે હુમલો કરતા ગંભીર સ્થિતિ સર્જાઈ હતી. આ ઘટનાએ ગ્રામ્ય વિસ્તારમાં સલામતી અને તંત્રની બેદરકારી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, કાટકુવા ગામે રહેતા 60 વર્ષીય ગેનુંબેન પોતાના નિત્યક્રમ મુજબ જંગલ વિસ્તાર પાસેથી ખેતરે જઈ રહ્યા હતા, ત્યારે અચાનક પાંચ ખૂંખાર શ્વાનોનું ટોળું તેમના પર તૂટી પડ્યું. શ્વાનોએ તેમને ઘેરી લઈને બચકાં ભરવાનું શરૂ કરતા વૃદ્ધા જીવ બચાવવા બૂમરાડ મચાવી દીધી હતી.

પાંચ શ્વાનોના એકસાથે હુમલાથી સ્થિતિ અતિ ગંભીર બની ગઈ હતી. સદનસીબે નજીકથી પસાર થઈ રહેલા એક યુવકે આ ઘટના જોઈ તાત્કાલિક મદદે દોડી આવ્યો અને શ્વાનોને ભગાડી દીધા, જેના કારણે વૃદ્ધાનો જીવ બચી ગયો. જો સમયસર મદદ ન મળી હોત તો ઘટનાનું પરિણામ વધુ ભયાનક બની શકતું હતું.

હુમલામાં ગેનુંબેન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને તેમને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનાથી કાટકુવા સહિત આસપાસના ગામોમાં બાળકો અને વૃદ્ધોની સુરક્ષા અંગે ભારે ભય ફેલાયો છે. ગ્રામજનો દ્વારા તંત્ર સામે રખડતા શ્વાનોના આતંક સામે તાત્કાલિક પગલાં લેવા ઉગ્ર માંગ ઉઠી છે.

sajagkutch
Author: sajagkutch

Leave a Comment

और पढ़ें