કોલકાતાના સાલ્ટ લેક સ્ટેડિયમમાં લિયોનલ મેસીના કાર્યક્રમ દરમિયાન સર્જાયેલી અફરાતફરી અને તોડફોડના મામલે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જાહેરમાં માફી માંગી છે. મમતા બેનરજીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે, તેઓ ખુદ હજારો ખેલપ્રેમીઓની જેમ પોતાના મનપસંદ ફૂટબોલર લિયોનલ મેસીની એક ઝલક મેળવવા કાર્યક્રમમાં હાજર થવાની હતી, પરંતુ જે અવ્યવસ્થા ત્યાં જોવા મળી તેનાથી તેઓ સ્તબ્ધ થઈ ગયા.
મુખ્યમંત્રીએ આ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી જણાવ્યું કે, આ ઘટનાથી રાજ્યની છબીને નુકસાન પહોંચ્યું છે. તેમણે લિયોનલ મેસી તેમજ તમામ ખેલપ્રેમીઓ પાસે માફી માગી અને ખાતરી આપી કે જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
આ સમગ્ર મામલે સેવાનિવૃત્ત ન્યાયાધીશ આશીમ કુમાર રેની અધ્યક્ષતામાં ઉચ્ચસ્તરીય તપાસ સમિતિની રચના કરવામાં આવી છે. આ સમિતિમાં રાજ્યના મુખ્ય સચિવ તેમજ ગૃહ અને પર્વતીય મામલાના અધિક મુખ્ય સચિવને સભ્ય બનાવવામાં આવ્યા છે.
સમિતિને સમગ્ર ઘટનાક્રમની વિગતવાર તપાસ કરી જવાબદારી નક્કી કરવા અને ભવિષ્યમાં આવી ઘટના ફરી ન બને તે માટે જરૂરી ભલામણો રજૂ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. મુખ્યમંત્રીએ ફરી એકવાર ખેલપ્રેમીઓ પાસે માફી માંગીને વિશ્વાસ આપ્યો છે કે દોષિતોને બક્ષવામાં નહીં આવે.
