મહિલાઓને આત્મનિર્ભર બનાવવા સરકાર દ્વારા મુદ્રા યોજના, લખપતિ દીદી અને નમો ડ્રોન દીદી જેવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. ગુજરાતમાં નમો ડ્રોન દીદી આજે માત્ર એક સરકારી યોજના નહીં, પરંતુ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને પ્રગતિના નવા આકાશમાં ઉડવાની તક આપતું એક મંચ બની છે. જેના થકી રાજ્યની મહિલાઓના આર્થિક સમુદ્ધિનો માર્ગ મોકળો થયો છે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ દરેક ક્ષેત્રે અગ્રેસર રહેતું ગુજરાત રાજ્ય “નમો ડ્રોન દીદી યોજના”ની અમલવારીમાં પણ અગ્રીમ હરોળના રાજ્ય પૈકીનું એક છે. ગુજરાતમાં અત્યારે સખી મંડળો સાથે જોડાયેલી ગ્રામ્ય વિસ્તારની ૫૮ મહિલાઓએ ડ્રોન દીદી બનીને પોતાની આવકનો નવો સ્ત્રોત ઉભો કર્યો છે. ગુજરાતની આ ૫૮ ડ્રોન દીદીઓએ રાજ્યના ૭,૦૦૦થી વધુ ખેડૂતોની ૧૮,૦૦૦ એકર જેટલી જમીનમાં ડ્રોન દ્વારા દવાનો છંટકાવ કરીને રૂ. ૫૫ લાખથી વધુની આવક મેળવી છે.
